બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ પ્રચાર પ્રસાર ઝુંબેશ પુરજોશમાં

પ્રથમ વખત મતાધિકાર મેળવનાર વિદ્યાર્થીઓને authentic voting માટે શપથ લેવડાવાયા

જિલ્લાના તમામ બસ સ્ટેન્ડ પર ઓડિયો મેસેજ દ્વારા મુસાફરોમાં મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવાયો
મતદાનમાં મહિલાઓની હિસ્સેદારી વધે એ માટે ગેસની બોટલ પર સ્ટીકર લગાવાયા

           ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ડીડીઓશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરણા થકી નાયબ ચૂંટણી અધિકારીશ્રી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષ્યાંક ગ્રૂપ અન્વયે જુદી જુદી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે યુવા મતદારોને મતદાન માટે આકર્ષવા માટે જિલ્લાની તમામ કોલેજોમાં સ્વીપ ટીમ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તે તમામને authentic voting માટે શપથ લેવડાવી સંકલ્પિત કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને BLO દ્વારા રૂબરૂ મુલાકાત કરી મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. 
           જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા આપવામાં આવેલ 100 ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ શપથ લઇ 100 ટકા મતદાન માટે સંકલ્પ લીધો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બૂથ અવરનેશ ગ્રુપ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બૂથ અવેરનેસ ગ્રુપના સભ્યો બી.એલ.ઓ., શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મધ્યાહન ભોજન સંચાલક વગેરેએ પોતાના ગામના ફળીયા, જાહેર સ્થળોએ જઇને મતદારોને ધર્મ, જાતિ, જ્ઞાતિથી પર રહી, કોઈના દબાણને વશ થયા વગર, કોઈપણ પ્રકારના પ્રલોભન વગર, ડર રાખ્યા સિવાય મતદાન કરવા માટે જાગૃત કરી શપથ લેવડાવ્યા હતા. તો જિલ્લાના કામદારોના કામના સ્થળે રૂબરૂ મુલાકાત કરી માલિક અને કામદારોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન માટે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.
            આ સાથે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકો મારફતે એમના પરિવારને સંકલ્પ પત્રો ભરાવી મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. જેનો આજે જિલ્લાભરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત શાળામાં મતદાન સન્દર્ભે વિદ્યાર્થીઓ- શિક્ષકોની રેલી, સાંકળ, ચિત્ર, રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં મતદાર જાગૃતિ માટે જિલ્લાના તમામ મોલના ઈન્વોઈસ રિસીપ્ટ, ટોલ ટેક્સ રિસિપ્ટ પર મતદાર જાગૃતિ અંગેનો સંદેશ છાપવામાં આવ્યો છે. મહિલાઓમાં મતદાન અંગેનો ઉત્સાહ વધે અને વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે અને અન્યોને પણ મતદાન માટે સમજાવી શકે એ માટે ગેસની બોટલ પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવી ગૃહિણી- મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ અંગેનું અભિયાન હાથ ધરાયુ છે. તો મતદાન જગૃતિના આ અભિયાનમાં એસ ટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પણ સાંકળી લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મુસાફરોમાં મતદાર જાગૃતિ અર્થે જિલ્લાના તમામ બસ સ્ટેન્ડ ખાતે ઓડિયો મેસેજ દ્વારા મુસાફરોને મતદાન માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આમ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી દ્વારા આરંભાયેલું મતદાર જાગૃતિ અભિયાનનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું