થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કોલેજના વિદ્યાર્થીઓને મતદાન અંગેના શપથ લેવડાવાયા: લોક જાગૃતિ અર્થે જનસંપર્ક રેલી યોજાઈ
          કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિધાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ ખાતે તા.12 નવેમ્બરના રોજ કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માં મતદાન અંગેની જાગૃતિ આવે તે હેતુથી મતદાન શપથ લેવડાવામાં આવ્યા હતા.
            આ પ્રસંગે પ્રિન્સીપાલશ્રીએ વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ આવે અને દરેક વિદ્યાર્થી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બને એવુ પ્રેરક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો અને મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તે હેતુથી જન સંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત થરા શહેરના વિવિધ માર્ગો પર સુત્રોચાર કરીને "મતદાન શ્રેષ્ઠ દાન છે " "મારો મત પવિત્ર મત છે. "જાગો-જાગો મતદાર જાગો" જેવા સ્લોગનો દ્વારા મતદાતાઓમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

              કાર્યક્રમમાં એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરવભાઈ શ્રીમાળી, શ્રી મહેશભાઈ.બી.પરમાર તેમજ  કેમ્પસ એમ્બેસેડર હેત.એસ.પટેલ સહિત કોલેજના સર્વ અધ્યાપકગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Comments